Friday, March 5, 2010

‘કવિતા’એ માપવાની નહીં પરંતુ પામવાની ચીજ છે.



સૂરજ આંખો ચોળીને ઉભો થઇ ગયો છે. અંધારું બિલ્લી પગે રોજની આદત મુજબ હમણાં જ અજવાળાની પરમિશન લઇને ગયુ છે. કદાચ હજી આગલી શેરીમાં જ પહોચ્યુ હશે. ઝાકળ પોતાનું અસ્તિત્વ સમેટીને આવતીકાલની રાહ જોવામાં તલ્લીન છે. ટેબલ પર પડેલો ચાનો કપ આળસ ખંખેરવાનો ઇશારો કરી રહ્યો છે. હીંચકો અને છાપુ બંને ટગર ટગર જોઇ રહ્યા છે. એકાદ ચૂસકી લગાવો અને પછી વાંચો આજનો આર્ટિકલ. આજે ‘કવિતા’ વિશે વાત કરવાનો મૂડ છે.
‘કવિતા’ એ કાગળ ઉપર પોતીકો અજવાસ પાથરવાની પ્રક્રિયા છે. એ કહેવાની કળા છે. એ પોતાના વિચારોને અન્યો ઉપર થોપી દેવાની બાબત નથી. ‘કવિતા’ તો આપમેળે ‘પોતાના’ બનાવે એવી ક્ષમતા ધરાવે છે. એ અનુભવોના ઇન્દ્રધનુષોથી રચાય છે. કવિ પોતે શબ્દોની પસંદગી વખતે ખૂબ જાગૃત હોવો જોઇએ તો અને તો જ કવિતાને ખરો નિખાર આપી શકવામાં એ પાર ઉતરે છે. કવિતા જેવું સુક્ષ્મ અને સક્ષમ તત્વ બીજું કંઇ નથી. એ કોઇ અગમતત્વ તરફની સુસ્પષ્ટ ગતિ છે. કવિતા એટલે શબ્દોની રંગોળી કરવી. અને શબ્દોની રંગોળી કરવી એ અતિ કઠીન બાબત છે. કવિતાના રંગ, એનો સ્વભાવ–મિજાજ એજ કવિની સાચી મુડી છે. કલમ એ ટેરવાઓની વચ્ચે ઉછરી રહેલી કૂંપળ છે. શબ્દ એ શ્યાહી બનીને પ્રસરેલું આકાશ છે, એમાં આકર્ષણ ઉપજાવે તેવી ભીનાશ છે. એ કવિના શ્વાસ છે. ‘કવિતા’ એ શબ્દોનો સરવાળો નથી. એ આપણી લાગણીઓનો પ્રવાસ છે. જેમાં ‘થાક’ કથા બની જાય છે, અને ‘કથા’માંથી ‘કલા’માં પરીણમે છે. ‘કવિતા’ એ ‘જીવન’ છે. જેમાંથી ‘જીવ’નો જન્મ થાય છે. એ શક્યતાઓના બારણા ખોલી આપે છે. એ ‘ક્ષણ’ને સુક્ષ્મતાથી માણતા શિખવે છે. ‘કવિતા’ ભાષાને સરળ બનાવે છે.‘કવિતા’માં આકાશ અને સમંદર જેવા બે ગુણો રહેલા છે. એક ‘ઉંચાઇ’નો અને બીજો ‘ઉંડાણ’નો.. કવિતા એક કક્ષાએ પહોચ્યા પછી આપોઆપ ફિલોસોફીની પાંખો પહેરી લઇને ઉડાન ભરવા માંડે છે. ‘કવિતા’એ ઇન્દ્રધનુષનો આઠમો રંગ છે, એ વાતાવરણને ઘોળીને બનાવેલું રસાયણ છે. એ પહાડથી ઉતરતી મીઠાશ છે, એ રક્તમાં સોંસરવી ઉતરી ગયેલી લીલાશ છે. એ હાંસિયામાંથી આવતી સુવાસ છે.
‘કવિતા’એ મંદિર જેટલી જ પવિત્રતા ધરાવે છે. જેના પગથિયા ચઢવાથી ઇશ્વરી ઉચાઇ પામવાની તક હાથ લાગે છે. ‘કવિતા’એ સમંદરમાંથી મોતિ એકત્ર કરવાની કપરી કસોટી છે. ‘તોફાન’ એ દરિયાનો સ્વભાવ છે! કવિતાનું પણ એવું જ છે. એક વિચાર માત્ર કવિના વિચારપટ ઉપર તોફાન મચાવી દે છે. એ વિચાર જ્યાં સુધી એક પરફેક્ટ ફોમમાં પરફેક્ટ રીતે રજુ ન થાય ત્યાં સુધી એ તોફાન કવિને સતત પજવ્યા કરે છે. અને એ તોફાન પછીની શાન્તિનો આનંદ કવિને એક સર્વોત્તમ ઉચાઇ પ્રદાન કરે છે. કવિતાનું મૂળ કોઇ પણ હોઇ શકે. કોઇ ઘટના, કોઇ ક્ષણ, કોઇ વાતાવરણ, કોઇ વ્યક્તિ, કોઇ પણ ! પણ એને ‘કવિતા’ની મંઝિલ સુધી પહોચાડવી એ માત્ર અને માત્ર કવિની પોતીકી આવડત ઉપર આધાર રાખે છે. ‘કવિતા’એ કવિની ભાષા-સજ્જતાનો પરિચય કરાવે છે. કયા શબ્દનો પ્રયોગ કેવી અસર જન્માવશે એ વાતથી કવિ સુપેરે વાકેફ હોવો જોઇએ.
અનુભવ અને નિરીક્ષણ આ બે બાબતો પણ કવિતાને એક નવો રંગ આપવામાં મદદરૂપ સાબિત થાય છે. કવિ કોઇ પણ વાતાવરણને પોતીકુ ગણે છે. એ સવારને આંગણામાં પ્રેમથી વાવે છે, બપોરને સમય ફાળવીને ઉછેરે છે, સાંજને ખુલ્લા પગે સ્પર્શ કરવા અધીરાઇ બતાવે છે અને રાતને આંખમાં આંજવાની શ્રધ્ધા દાખવે છે. ‘કવિતા’ એ તારીખિયાના પાનાઓ ફાડીને બે દિવસને એકમેકમાં ઓતપ્રોત કરવાની પ્રક્રિયા છે. કવિતામાંથી ‘વાહ’ અને ‘આહ’ બંને ઉદભવે છે. ‘કવિતા’એ માપવાની નહીં પરંતુ પામવાની ચીજ છે. એ હાથમાં બગીચો ખિલવી શકે છે, એ વરસાદને વાવી અને વૃક્ષને વરસાવી શકે છે ! દરેક કવિતા પોતાનો એક મિજાજ ધરાવે છે. જેમાં કવિ પોતે, આસપાસનું વાતાવરણ, કોઇ ક્ષણ, કોઇ ઘટના અને આવું કંઇ કેટલુંયે સમેટાઇને આવે છે. ‘કવિતા’ એ વર્તમાનની ભીંત પર ભુતકાળને ચિતરવાની મથામણ છે. જેમાં સફળતા મેળવવી મહત્વની નથી પણ એ માટે મથવું એ જ મહત્વની વાત છે. ‘આંખ’ને ચહેરાની ભીંત ઉપર ટાંગેલી ફ્રેમ કહે એ જ કવિ. અને સ્વપ્નને એક ફોટો કહી એ ફ્રેમમાં મઢી પણ એજ આપે.

---- ટહુકો ----
‘કવિતા’ દિશા નથી ચીંધતી પણ નવી દિશા બનાવે છે. કવિતાથી મોટી એકે જિંદગી નથી અને જિવનથી મોટી એકે કવિતા નથી.
..............................................................................................................................
જિગર જોષી ‘પ્રેમ’
ગંગોત્રી પાર્ક / ૫૯,
યુનિ. રોડ, રાજકોટ-૫
મો : ૯૯૨૫૧૫૭૪૭૫
E-mail : jigarmsw@gmail.com