Friday, March 5, 2010

‘કવિતા’એ માપવાની નહીં પરંતુ પામવાની ચીજ છે.



સૂરજ આંખો ચોળીને ઉભો થઇ ગયો છે. અંધારું બિલ્લી પગે રોજની આદત મુજબ હમણાં જ અજવાળાની પરમિશન લઇને ગયુ છે. કદાચ હજી આગલી શેરીમાં જ પહોચ્યુ હશે. ઝાકળ પોતાનું અસ્તિત્વ સમેટીને આવતીકાલની રાહ જોવામાં તલ્લીન છે. ટેબલ પર પડેલો ચાનો કપ આળસ ખંખેરવાનો ઇશારો કરી રહ્યો છે. હીંચકો અને છાપુ બંને ટગર ટગર જોઇ રહ્યા છે. એકાદ ચૂસકી લગાવો અને પછી વાંચો આજનો આર્ટિકલ. આજે ‘કવિતા’ વિશે વાત કરવાનો મૂડ છે.
‘કવિતા’ એ કાગળ ઉપર પોતીકો અજવાસ પાથરવાની પ્રક્રિયા છે. એ કહેવાની કળા છે. એ પોતાના વિચારોને અન્યો ઉપર થોપી દેવાની બાબત નથી. ‘કવિતા’ તો આપમેળે ‘પોતાના’ બનાવે એવી ક્ષમતા ધરાવે છે. એ અનુભવોના ઇન્દ્રધનુષોથી રચાય છે. કવિ પોતે શબ્દોની પસંદગી વખતે ખૂબ જાગૃત હોવો જોઇએ તો અને તો જ કવિતાને ખરો નિખાર આપી શકવામાં એ પાર ઉતરે છે. કવિતા જેવું સુક્ષ્મ અને સક્ષમ તત્વ બીજું કંઇ નથી. એ કોઇ અગમતત્વ તરફની સુસ્પષ્ટ ગતિ છે. કવિતા એટલે શબ્દોની રંગોળી કરવી. અને શબ્દોની રંગોળી કરવી એ અતિ કઠીન બાબત છે. કવિતાના રંગ, એનો સ્વભાવ–મિજાજ એજ કવિની સાચી મુડી છે. કલમ એ ટેરવાઓની વચ્ચે ઉછરી રહેલી કૂંપળ છે. શબ્દ એ શ્યાહી બનીને પ્રસરેલું આકાશ છે, એમાં આકર્ષણ ઉપજાવે તેવી ભીનાશ છે. એ કવિના શ્વાસ છે. ‘કવિતા’ એ શબ્દોનો સરવાળો નથી. એ આપણી લાગણીઓનો પ્રવાસ છે. જેમાં ‘થાક’ કથા બની જાય છે, અને ‘કથા’માંથી ‘કલા’માં પરીણમે છે. ‘કવિતા’ એ ‘જીવન’ છે. જેમાંથી ‘જીવ’નો જન્મ થાય છે. એ શક્યતાઓના બારણા ખોલી આપે છે. એ ‘ક્ષણ’ને સુક્ષ્મતાથી માણતા શિખવે છે. ‘કવિતા’ ભાષાને સરળ બનાવે છે.‘કવિતા’માં આકાશ અને સમંદર જેવા બે ગુણો રહેલા છે. એક ‘ઉંચાઇ’નો અને બીજો ‘ઉંડાણ’નો.. કવિતા એક કક્ષાએ પહોચ્યા પછી આપોઆપ ફિલોસોફીની પાંખો પહેરી લઇને ઉડાન ભરવા માંડે છે. ‘કવિતા’એ ઇન્દ્રધનુષનો આઠમો રંગ છે, એ વાતાવરણને ઘોળીને બનાવેલું રસાયણ છે. એ પહાડથી ઉતરતી મીઠાશ છે, એ રક્તમાં સોંસરવી ઉતરી ગયેલી લીલાશ છે. એ હાંસિયામાંથી આવતી સુવાસ છે.
‘કવિતા’એ મંદિર જેટલી જ પવિત્રતા ધરાવે છે. જેના પગથિયા ચઢવાથી ઇશ્વરી ઉચાઇ પામવાની તક હાથ લાગે છે. ‘કવિતા’એ સમંદરમાંથી મોતિ એકત્ર કરવાની કપરી કસોટી છે. ‘તોફાન’ એ દરિયાનો સ્વભાવ છે! કવિતાનું પણ એવું જ છે. એક વિચાર માત્ર કવિના વિચારપટ ઉપર તોફાન મચાવી દે છે. એ વિચાર જ્યાં સુધી એક પરફેક્ટ ફોમમાં પરફેક્ટ રીતે રજુ ન થાય ત્યાં સુધી એ તોફાન કવિને સતત પજવ્યા કરે છે. અને એ તોફાન પછીની શાન્તિનો આનંદ કવિને એક સર્વોત્તમ ઉચાઇ પ્રદાન કરે છે. કવિતાનું મૂળ કોઇ પણ હોઇ શકે. કોઇ ઘટના, કોઇ ક્ષણ, કોઇ વાતાવરણ, કોઇ વ્યક્તિ, કોઇ પણ ! પણ એને ‘કવિતા’ની મંઝિલ સુધી પહોચાડવી એ માત્ર અને માત્ર કવિની પોતીકી આવડત ઉપર આધાર રાખે છે. ‘કવિતા’એ કવિની ભાષા-સજ્જતાનો પરિચય કરાવે છે. કયા શબ્દનો પ્રયોગ કેવી અસર જન્માવશે એ વાતથી કવિ સુપેરે વાકેફ હોવો જોઇએ.
અનુભવ અને નિરીક્ષણ આ બે બાબતો પણ કવિતાને એક નવો રંગ આપવામાં મદદરૂપ સાબિત થાય છે. કવિ કોઇ પણ વાતાવરણને પોતીકુ ગણે છે. એ સવારને આંગણામાં પ્રેમથી વાવે છે, બપોરને સમય ફાળવીને ઉછેરે છે, સાંજને ખુલ્લા પગે સ્પર્શ કરવા અધીરાઇ બતાવે છે અને રાતને આંખમાં આંજવાની શ્રધ્ધા દાખવે છે. ‘કવિતા’ એ તારીખિયાના પાનાઓ ફાડીને બે દિવસને એકમેકમાં ઓતપ્રોત કરવાની પ્રક્રિયા છે. કવિતામાંથી ‘વાહ’ અને ‘આહ’ બંને ઉદભવે છે. ‘કવિતા’એ માપવાની નહીં પરંતુ પામવાની ચીજ છે. એ હાથમાં બગીચો ખિલવી શકે છે, એ વરસાદને વાવી અને વૃક્ષને વરસાવી શકે છે ! દરેક કવિતા પોતાનો એક મિજાજ ધરાવે છે. જેમાં કવિ પોતે, આસપાસનું વાતાવરણ, કોઇ ક્ષણ, કોઇ ઘટના અને આવું કંઇ કેટલુંયે સમેટાઇને આવે છે. ‘કવિતા’ એ વર્તમાનની ભીંત પર ભુતકાળને ચિતરવાની મથામણ છે. જેમાં સફળતા મેળવવી મહત્વની નથી પણ એ માટે મથવું એ જ મહત્વની વાત છે. ‘આંખ’ને ચહેરાની ભીંત ઉપર ટાંગેલી ફ્રેમ કહે એ જ કવિ. અને સ્વપ્નને એક ફોટો કહી એ ફ્રેમમાં મઢી પણ એજ આપે.

---- ટહુકો ----
‘કવિતા’ દિશા નથી ચીંધતી પણ નવી દિશા બનાવે છે. કવિતાથી મોટી એકે જિંદગી નથી અને જિવનથી મોટી એકે કવિતા નથી.
..............................................................................................................................
જિગર જોષી ‘પ્રેમ’
ગંગોત્રી પાર્ક / ૫૯,
યુનિ. રોડ, રાજકોટ-૫
મો : ૯૯૨૫૧૫૭૪૭૫
E-mail : jigarmsw@gmail.com

Friday, November 20, 2009

એક તાજ્જા ફૂલ જેવા સમાચારમારા નિવાસ સ્થાને મારા પિતાશ્રીએ જાતે એક શબ્દ ચિત્ર કલાભવનની સ્થાપના કરેલ છે, જ્યાં ૧૦૦ ઉપરાંત શબ્દ ચિત્રોનું પ્રદર્શન કાયમને માટૅ ખુલ્લુ મૂકવામાં આવ્યુ છે. લગભગ ૫૦ લાખ લોકોએ આ કલાભવનની મુલાકાત લીધી છે. આ શબ્દચિત્ર કલાભવનને એક જોવા લાયક સ્થળ તરીકે વિકસાવવા માંગુ છું, જેથી ભાવિ પેઢીને વરસો સુધી આ કલાને નીહાળવાનો મોકો મળે. આ કલાભવન બનાવવા અને વખતો વખત સહિત્યિક, સાંગીતિક, સાંસ્ક્રૂતિક પ્રવ્રુત્તીઓ કરવા અને લલિત કલાઓને જિવંત રાખવા તાજેતરમાં "જીવન-કલા ફાઉન્ડેશન" નામે એક ટ્રસ્ટ્ની સ્થાપના કરી છે.કલા એ ઈશ્વર તરફથી માનવીને મળેલી ઉત્તમોત્તમ ભેટ છે, બક્ષીશ છે. અને કલાને જીવંત રાખવી એ મારી - તમારી- આપણા સૌની જવાબદારી છે.જીવનકલા ફાઉન્ડેશન, રાજકોટ સાર્વજનીક ટ્ર્સ્ટ ૧૯૫૦ના મુંબઈ સાર્વજનીક ટ્ર્સ્ટોને બાબત(સન ૧૯૫૦ના મુંબઈના ૨૯મા) અધિનિયમ અન્વયે રાજકોટખાતેનીસાર્વજનીક ટ્ર્સ્ટ નોંધણીની કચેરીમાં યોગ્ય રીતે આ ટ્ર્સ્ટનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ છે. જેના રજીસ્ટ્રેશન નં ઈ/૮૭૨૫ છે.જીવનકલા ફાઉન્ડેશન, રાજકોટના હેતુઓ આપની સમક્ષ મૂક્તા અત્યંત આનંદ થાય છે.બાળકોના સર્વાંગી વિકાસ સાધવા માટૅ, તેમને શીક્ષણ, કેળવણી, તાલીમ આપવા વર્કશોપ, પ્રયોગશાળા, બાળ વિકાસ કેન્દ્રો,તેમજ એવી જરૂરી તમામ પ્રકારની સંસ્થા કે સંસ્થાઓ શરૂ કરી શકશે, ચલાવી શકશે, નિભાવી શકશે.બાળકો માટૅ ગુજરાતમાં પ્રથમ વખત શબ્દ ચિત્ર કલાભવનના બિલ્ડીંગની સ્થાપના કરી બાળકોને ઉત્તમ કેળવણી મળે તેવા પ્રયાસો હાથ ધરી શકશે.તમામ પ્રકારની સાહિત્ય પ્રવુત્તીઓ કરી લોકોના રસ રુચિને સાહિત્યના વિભિન્ન અંગો પ્રતિ પ્રોત્સાહિત કરી શકશે.આ માટૅ પરિસંવાદો, પરિષદો, જ્ઞાનસત્રો, કાવ્યપઠન બેઠકો, જ્ઞાન શિબિરો આદિનું આયોજન કરી શકશે.નફો પ્રાપ્ત કરવાના હેતુઓ સિવાય સાહિત્યિક પ્રકાશન, મુદ્રણ અને વિતરણ કરી શકશે.પુસ્તકાલયો, વાંચનાલયો અને ઉત્તમ સાહિત્યિક ક્રુતિઓના અનુવાદો લોકોને પ્રાપ્ત થતા રહે તે માટે પ્રકાશનાલયો તેમજ વિવિધ પ્રકારના સામયિકો શરુ કરી શકશે.વિવિધ કલા જેવી કે સંગીત સાહિત્ય ચિત્ર ફોટોગ્રાફી આદિ કલાના કોઈપણ ક્ષેત્રે ઉત્ક્રુષ્ઠ કાર્ય કરનારની કદર કરવાએવોર્ડ્ઝ, પારિતોષિકો,સ્મ્રુતિચિહ્નો શિષ્ય્વ્રુત્તીઓ, ફેલોશીપ આદિ આપી શકશે.આ સંસ્થાને તન - મન - ધનથી મદદ કરવા નીચેના સરનામે સંપર્ક કરવોમેનેજિંગ ટ્રસ્ટી - મધુકન્ત જોષી ( પ્રખ્યાત બાળ સાહિત્યકાર - શબ્દચિત્રકાર)પ્રમુખ - ચંદ્રીકાબેન મધુકાન્ત જોષીટ્રસ્ટી - જિગર મધુકાન્ત જોષીમેનેજિંગ ટ્રસ્ટી,જીવનકલા ફાઉન્ડેશન, રાજકોટc/o મધુકાન્ત જોષી,૫૯/ગંગોત્રી પાર્ક, યુની. રોડ, રાજકોટ ૩૬૦૦૦૫ફોન ૦૨૮૧-૨૫૮૪૧૬૦મોઃ ૯૯૨૫૧૫૭૪૭૫